શ્રીમતી જશીબેન નાયક શિક્ષણ સંકુલ નામકરણ અને સન્માન સમારોહ

 

સરસ્વતી વિદ્યામંડળના વડીલ, અસારવા વિદ્યાલયના પ્રથમ આચાર્ય અને વિદ્યામંડળના પ્રમુખ મુ.શ્રી. જશીબેન નાયકની જન્મ શતાબ્દી નિમિત્તે અને સરસ્વતી વિદ્યામંડળ ૭૫માં વર્ષમાં પ્રવેશે ત્યારે અમૃતપર્વની પૂર્વ સંધ્યાએ તા. ૧૧-૧૨-૦૧૮ના રોજ અસારવા શાંતિકુમાર કોઠારી વિદ્યાલય (બાલભારતી)ના પટાંગણમાં ગૌરવશાળી કાર્યક્રમ યોજાઇ ગયો.

કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત રાજયના ના પૂર્વ શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી અને હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ માનનીયશ્રી આનંદીબેન પટેલ હતા. અતિથિ વિશેષ તરીકે આઇ.ટી.આઇ. ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી સુધીર જૈન હતા.

આ ઐતિહાસિક પ્રસંગે કાર્યક્રમની શરૂઆત “એક નયા ઇતિહાસ રચે હમ”ના પ્રેરણાગીતથી કરવામાં આવી હતી. વિદ્યામંડળના સંચાલન સમિતિના સભ્યશ્રી પ્રશાંતભાઇ નાયકે સૌ આમંત્રિતોને શાબ્દિક આવકાર આપતા આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

પુષ્પગુચ્છ દ્વારા વિદ્યામંડળના ટ્રસ્ટીશ્રી ઉપેન્દ્રભાઇએ માનનીય આનંદીબેનનું સ્વાગત કર્યું હતું અને સંચાલન મંડળના સભ્યશ્રી ઇરા નાયક ઘોષે અતિથિ વિશેષ શ્રી સુધીર જૈનનું સ્વાગત કર્યું હતું.

સમારોહનો શુભ આરંભ મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. સરસ્વતી વિદ્યામંડળના સહમંશ્રી શ્રી સજુભા ઝાલાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં મુ. શ્રી. જશીબેનના જીવન દર્શન અને તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાની વિગતે રજૂઆત કરી હતી. વિદ્યામંડળના મંત્રી શ્રી જ્યોતિન્દ્રભાઇ દવે એ સરસ્વતી વિદ્યામંડળના ૭૫ વર્ષના સંઘર્ષમય ઇતિહાસને યાદ કરી સરસ્વતીના જ્ઞાનયજ્ઞને આવનારા અનેક વર્ષો સુધી પ્રતિષ્ઠિત કરવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. ૭૫ વર્ષ ઇતિહાસનું વિહંગાવલોકન વાચીકમ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ૩૫ મિનિટના વિહંગાવલોકનનું સંશોધન અને સંકલન અસારવા વિદ્યાલયના પૂર્વ શિક્ષક અને ઘરશાળાના સંપાદક મંડળના સભ્યશ્રી અમિતાબેન પાલખીવાલા અને જે.એન. બાલિકાના મદદનીશ શિક્ષકશ્રી ચેતનાબેન રાવલ અને શ્રી મૃણાલબેન ઓઝાએ કર્યું હતું.

વાચીકમ્ દ્વારા સરસ્વતીની વિકાસયાત્રા અને સંઘર્ષયાત્રા ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન માનનીયશ્રી આનંદીબેન અને અન્ય આમંત્રિતો પ્રભાવિત થયા હતા.

મુ.શ્રી. જશીબેનનું સન્માન મુખ્ય મહેમાન માનનીયશ્રી આનંદીબેને શાલ, શુભેચ્છા અને રૂ. ૧,૧૧,૧૧૧/- ના ચેકથી કર્યું હતું. આ રકમ સરસ્વતી નાગરિક સમાજ દ્વારા મુ.શ્રી. જશીબેનને ગુરૂદક્ષિણા તરીકે અર્પણ કરવામાં આવી હતી. મુ.શ્રી. જશીબેને  રકમનો ઉપયોગ શાળાઓમાં નૃત્ય-નાટક અને સંગીતની રસરૂચિ વિદ્યાર્થીઓમાં કેળવાય તે હેતુથી વિદ્યામંડળને સુપ્રત કરી હતી.

સન્માનનો પ્રતિભાવ આપતા મુ.શ્રી. જશીબેને આશિષ વચનો પાઠવ્યા હતા.સંસ્થા વધુ વિકાસ કરે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જ્ઞાન અને સંસ્કારની જ્યોત સદા ઝળહળતી રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

અતિથી વિશેષ શ્રી સુધીર જૈને મુ.શ્રી. જશીબેનના વ્યક્તિત્વના પાસાનો ઉલ્લેખ કરી જણાવ્યું તેઓ સાચા અર્થમાં શિક્ષક અને માતૃહ્રદય ધરાવે છે. શિક્ષણ સાહિત્ય, કલા અને બાળપ્રેમનો સુભગ સમન્વય મુ.શ્રી. જશીબેનના વ્યક્તિત્વમાં છે અને સંસ્થાના વિકાસની શુભેચ્છા પાઠવી હતી.

સમારંભના મુખ્ય મહેમાન માનનીય શ્રી આનંદીબેને જણાવ્યું કે મુ.શ્રી.જશીબેને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શિક્ષણ અને માનવ ઘડતરનું ઉમદા કાર્ય કર્યું છે જે ખરેખર વંદનીય અને પ્રેરણાદાયી છે. ૧૦૦ વર્ષની વયે આપણી વચ્ચે છે તે આનંદની વાત છે. સંસ્થાના  ૭૫ વર્ષના ઇતિહાસને વાચીકમ્ દ્વારા રજૂ કરી સંઘર્ષ અને વિકાસનો ઇતિહાસ આવનાર પેઢીને પ્રેરણારૂપ બની રહેશે. ૭૫ વર્ષ સુધી સંસ્થાએ વ્યક્તિત્વને જાળવી રાખ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે અને સંસ્થા વધુ વિકસે તેવી શુભેચ્છા પાઠવી હતી.

સમારોહમાં વિદ્યામંડળ સંચાલિત ૬ શાળાના ૩૦૦ બાળકોએ સાંસ્કૃત્તિક કાર્યક્રમ રજુ કર્યો હતાં. કાર્યક્રમમાં ૭૫ વર્ષથી ગવાતા વર્ષામંગલ, વસંતોત્સવ, રાષ્ટ્રીય ચેતનાના ગીતો અને બાળગીતો અભિનય દ્વારા રજૂ કર્યા હતા.

ગીતોનું સ્વરાંકન અને રજૂઆય શાળાના સંગીત શિક્ષકો સર્વશ્રી ભરતભાઇ ઉપાધ્યાય, હરીદાસ ગાંધર્વ, જયંતભાઇ નાયક, ખ્યાતિબેન ખત્રી અને બીપીન નાયકે કર્યું હતું. સૌ મિત્રોએ સરસ્વતીના ૭૫ વર્ષના સંગીત વારસાને ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યો હતો. નૃત્ય અને અભિનયનું માર્ગદર્શન સરસ્વતી વિદ્યામંડળ સંચાલન સમિતિના સભ્ય શ્રી ઇરા નાયક ઘોષે કર્યું હતું.

કાર્યક્રમના સમાપનમાં આભાર દર્શન સંચાલન મંડળના સભ્ય અને પૂર્વ વિદ્યાર્થી શ્રી રાજેન્દ્રભાઇ દવેએ કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે.એન.બાલિકા વિદ્યાલયના મદદનીશ શિક્ષકશ્રી સ્વાતીબેન પંડ્યાએ કર્યું હતું.