દિપાવલી શુભેચ્છા
સરસ્વતી પરિવારના સ્વજનો,
નમસ્તે.
વિક્રમ સંવત ૨૦૭૬નું વર્ષ આખા વિશ્વ માટે કપરું રહ્યું. મહામારી અત્યાર સુધી માત્ર ભારતમાં જ સવા લાખથી વધુ માનવીનો ભોગ લઇ ચૂકી છે. રોજગાર-ધંધા બંધ થવાને કારણે આપણે બધા આર્થિક મૂંઝવણ અનુભવી રહ્યા છીએ. બાળકો શાળાએ જઈ નથી શકતાં અને તેને કારણે તેમનો અભ્યાસ અને વિકાસ બન્ને રૂંધાઈ રહ્યા છે.
દરેક મુશ્કેલી આપણને કાંઇક શીખવી જાય છે, કશુંક નવું કરવા પ્રેરે છે. તે ન્યાયે મહામારીના આ કપરા કાળમાં આપણી સંસ્થાએ પોતાના વિદ્યાર્થી સાવ શિક્ષણ વિહોણા ન રહે તે માટે વિડિયો દ્વારા શિક્ષણનો અજાણ્યો માર્ગ અપનાવ્યો. આચાર્યો, શિક્ષકો તેમજ સંસ્થાના બીજા કાર્યકર્તા અને તજજ્ઞોએ પડકાર ઝીલી લઇ આશરે એક હજાર વિડિયો સાથે પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂરો કર્યો, ઉપરાંત સત્રમાં બે કસોટી પણ લીધી. આવતા સત્રમાં પણ જરૂર હોય ત્યાં સુધી આપણે વિડિયો દ્વારા શિક્ષણ ચાલુ રાખીશું. આ આખાયે કાર્યમાં સહયોગી સહુ કોઇને મારા અભિનંદન.
કોવિડ-૧૯ની રસીની સફળતાના સમાચાર સાથે વિક્રમ સંવત ૨૦૭૭નું નૂતન વર્ષ આશાનું એક કિરણ લાવે છે. આવા વર્ષને વધાવી લેવા સરસ્વતી વિદ્યામંડળ વતી બાળવિહાર તેમજ કુમારશાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા પ્રસ્તુત દીપાવલિ શુભેચ્છા વિડિયો આપ સૌને, ખાસ કરીને મારા વ્હાલા વિદ્યાર્થીઓ અને બાળવિહારના બાળકોને અર્પણ કરું છું.
સરસ્વતી પરિવારના સભ્યો, શુભેચ્છકો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને પ્રકાશના આ પર્વની ખૂબ-ખૂબ શુભેચ્છા અને નવા વર્ષમાં સૌના ક્ષેમકુશળની અભ્યર્થના!
જશીબેન નાયક
લિવરપૂલ, ઈંગ્લેન્ડ
૧૪/૧૧/૨૦૨૦