પૃષ્ઠભૂમિ

સરસ્વતી વિદ્યાલય નું પ્રથમ મકાન- એક વિદ્યાર્થી ની નજરે

૨૦મી સદીનો પૂર્વાર્ધ માં અમદાવાદના કાપડ ઉદ્યોગ માટે ખૂબ સારો સમય હતો. શહેરની લગભગ તમામ કપડા મીલ શહેરના પૂર્વ વિસ્તારમાં સ્થિત હતી. સ્વાભાવિક છે કે મીલમાં કામ કરતાં મજૂરની વસ્તી પણ આ જ વિસ્તારમાં વધુ હોય. આવા એક વિસ્તાર સરસપુરમાં ગુરુદેવ ટાગોરના શિષ્ય, પદ્મશ્રી ડો. રઘુભાઈ  નાયકે તેમનાં પત્ની શ્રીમતિ જશીબેન સાથે મળી સમાજના નબળાં વર્ગના બાળકોને ઉત્કૃષ્ટ  શિક્ષણ પૂરું પાડવાના હેતુથી એક માધ્યમિક શાળા સ્થાપવાનો નિર્ધાર કર્યો. આ રીતે સન ૧૯૪૪માં એક મીલ-માલિકે દાનમાં આપેલ ગોદામના મકાનમાં “સરસ્વતી વિદ્યાલય”નો જન્મ થયો. અનેક મુશ્કેલીનો સામનો કરી માત્ર થોડા જ સમયમાં સરસ્વતી વિદ્યાલયએ પોતાની આગવી છબી ઊભી કરી. પાસેના બીજા મજૂર વિસ્તાર અસારવાના રહીશોના આગ્રહને વશ  થઇ સને ૧૯૫૩માં અસારવામાં બીજી શાખા, “અસારવા વિદ્યાલય”ની સ્થાપના કરાઈ. સમય જતાં અમદાવાદનો કાપડ ઉદ્યોગ નબળો પડ્યો,  સરસપુર તથા અસારવા વિસ્તારના રહીશ બીજા નાના-મોટા વ્યવસાય તરફ વળ્યા પણ બન્ને વિસ્તારની સામાજિક તથા આર્થિક નબળાઇ કાયમ રહી.

સમય જતાં સંસ્થાનું કાર્યક્ષેત્ર બહોળું થતું ગયું અને એક જાહેર સખાવતી ટ્રસ્ટ તરીકે સરસ્વતી વિદ્યામંડળની સ્થાપના થઈ જેની છત્રછાયા નીચે સંસ્થાની બધી શાળાઓ કાર્ય કરે છે. માત્ર ૧૦૦ વિદ્યાર્થી સાથે શરૂ થયેલ સંસ્થા અત્યારે બાલમંદિરથી શરૂ કરી ઉચ્ચતર માધ્યમિક કક્ષાની આશરે ૫,૦૦૦ વિદ્યાર્થીને ઉત્કૃષ્ટ શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. સરસ્વતી વિદ્યામંડળેએ પોતાની આગવી ઓળખ એક શિક્ષણ તથા બાળકોનાં સર્વાંગી વિકાસ તથા ચારિત્ર ઘડતર પરત્વે સમર્પિત સંસ્થા તરીકે સંસ્થાપિત કરી છે.

સંસ્થાના ૭૫માં સ્થાપના દિવસે અમે અમારા ગૌરવશાળી ઈતિહાસનું વાચીકમ્ રૂપે વાંચન કર્યું.

 

વાચીકમની સંકલ્પના – શ્રી જ્યોતિન્દ્રભાઈ દવે.

સંશોધન, લેખન અને સંકલન :

૧) શ્રી અમીતાબેન પાલખીવાલા

૨) શ્રી મૃણાલબેન ઓઝા

૩)  શ્રી ચેતનાબેન રાવળ

પ્રસ્તુતિ:

૧) શ્રી તૃપ્તિબેન ત્રિવેદી

૨) શ્રી વિકાસભાઈ પટેલ

૩) શ્રી હરીભાઈ ચૌધરી

૪) શ્રી મૃણાલબેન ઓઝા